Friday, April 11, 2025

બે ટંકનું જમવાનું અને એક ટાઈમ નાસ્તો મળશે ફ્રીમાં, બસ એક જ કામ કરવાનું છે.

   પૈસા મળે અને કાયદેસરના દાયરામાં આવતું હોય એવું વ્હાઈટ કોલર કામ કરવા દરેક વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે. કોર્પોરેટમાં હોય તો સતત પ્રમોશનના લક્ષ્યાંક સાથે અને વ્યાપારમાં હોય તો દમદાર નફો કમાવવા માટે, આ બે દોડ સિવાય વ્યક્તિ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની બાઉન્ડ્રીમાં અને પરિસ્થિતિમાં બંધાઈ જતા હોય છે. દરેક વ્યક્તિ ઑપ્શન બી વિશે વિચાર એમાંથી પણ રેવન્યૂ જનરેટ થવાનો મુદ્દો પહેલા ક્રમે હોય છે. તો કેટલાંક એવું પણ વિચારે કે, ડબલ પૈસા મળે તો કરવામાં ખોટું શું છે? પેટ માટે થતી પૈસાની રેસમાં જીવન જીવવાનું ભૂલી ગયા હોય એવા આપણી આસપાસ કરોડોની સંખ્યામાં લોકો છે. હવે કોઈ એવું કહે કે, બે ટંકનું જમવાનું અને એક સમયનો નાસ્તો, એસી ચેમ્બર, લેપટોપથી લઈને ઝેરોક્ષ મશીન સુધીની સુવિધા મળશે. આટલું વાંચ્યા પછી કામ કરવાનું વિચારો કે નહીં? ચલો સુવિધાને થોડી અપગ્રેડ કરીએ. સોફા પર બેસવાથી લઈને ટેબલ પર સૂવા સુધીની જગ્યા મળે તો?

લાયબ્રેરીની અંદરનો ફોટો 

   હવે સૂતા સૂતા પણ કામ કરવાના પૈસા મળે તો થોડું તો મન લલચાય. પુરૂષાર્થ કરવાથી પૈસો મળે પણ ડિજિટલ શ્રમથી ક્રિએટિવિટી અને આંખનો ખો થાય એવું અત્યારનું વિજ્ઞાન કહે છે. 47 ડિગ્રી તાપમાનમાં એસીવાળા માહોલમાં કામ પણ મળે અને પૈસા પણ તો કામ શું છે એના વિશે કોઈ એકવાર તો વિચારે. વાત છે રાજસ્થાનના એ છેવાડાના શહેરની જ્યાં શિયાળે જવાનું સૌને ગમે પણ ઉનાળે કોઈને ન ગમે. રાજસ્થાન રાજ્યનો છેવાડો એટલે ડેઝર્ટ. રણ અને ડેઝર્ટમાં થોડો ફેર છે. થારના રણમાં ભાદરિયા નામનું એક ગામ છે. જેસલમેરથી માત્ર એક કલાકના અંતરે આવેલા આ ગામમાં એક એવી લાયબ્રેરી છે જે જમીનની નીચે આવેલી છે. ખાસવાત એ છે કે, એ ભલે જમીનની નીચે રહી પણ ગરમી બિલકુલ લાગતી નથી. સેન્ટ્રલી એસી તો છે જ પણ શિયાળામાં ઠંડી પણ લાગતી નથી. એવી બેજોડ બાંધણી છે. એ પણ જમીનની નીચે. 

     જમીનથી 16 ફૂટ નીચે આ લાયબ્રેરી એશિયાની સૌથી મોટી અને અંડરગ્રાઉન્ડ લાયબ્રેરી છે. જે ખરેખરમાં તો એક રાજાએ પ્રજાને આપેલી ભેટ છે. આશરે 10 લાખથી વધારે પુસ્તકોનું ક્લેક્શન આ લાયબ્રેરીમાં છે. મૂળ પંજાબના રાજવી હરબંશસિંહ નિર્મલે આ લાયબ્રેરીનું નિર્માણ કરાવ્યું હતું. જેને ભદરિયા મહારાજ રાજવી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ, ખગોળ વિજ્ઞાન, વિજ્ઞાન, શબ્દકોષ, ઈતિહાસ અને રાજકારણ જેવા વિષયોના અઢળક પુસ્તકો છે. 562 રેકમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા પુસ્તકો ખરા અર્થમાં એક ખાણ છે. જ્ઞાનની ખાણ. જુદા જુદા પ્રાંતમાંથી પુસ્તકો એકઠા કરવામાં 22 વર્ષ વીત્યા છે. જગદંબા મંદિર સેવા ટ્રસ્ટ નામની સંસ્થા સમગ્ર લાયબ્રેરીનું મેનેજમેન્ટ સંભાળે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર જમીનના માલિક ભદરિયા રાજા છે. પુસ્તક પ્રેમીઓ માટે આ લાયબ્રેરી વાંચનનું સ્વર્ગ છે. દેશ-વિદેશના ખૂણે ખૂણે પુસ્તકો લઈ અહીં મૂકવામાં આવ્યા છે. તો કેટલાંક પુસ્તકો ગિફ્ટમાં આવેલા છે. 

   ખરેખર તો વિષયલક્ષી રીસર્સ કરનારાઓ માટે આ ખજાનો છે. જેને ઉલેચવા માટે વ્યક્તિને સારી એવી સગવડ આપવામાં આવે છે. રાજા પોતે પણ વાંચનપ્રેમી હતા. તેમણે પોતાના માટે એક વાંચનકક્ષ બનાવ્યો હતો. જે હજું પણ અહીં એ જ સ્થિતિમાં વ્યવસ્થિ છે. આટલી ભવ્યતા જાણ્યા બાદ આંખે પાણી આવી જાય એવી હકીકત એ છે કે, અહીંયા કોઈ વાંચનારૂ નથી. આટલા પુસ્તકો તો ઠીક લાયબ્રેરી વાપરનાર વર્ગ પણ નથી. જેટલી શાંતિ રણમાં હોય છે એટલી જ શાંતિ આ લાયબ્રેરીમાં છે. જ્યાં પુસ્તકના પાના ફરવાનો પણ અવાજ નથી. ટીવીની શોધ થઈ ત્યારે વાંચન સામગ્રી સામે પ્રશ્નો ઊભા થયા હતા. ઓટીટી પ્લેટફોર્મ આવ્યું તો ટીવી સીરીયલ્સ સામે જોખમ ઊભું થયું. પણ ડિજિટલ ટેકનોલોજીનું સામ્રાજ્ય આવ્યા બાદ વાંચન ઘટ્યું એ વાત તો કડવા ઘૂંટડા સાથે સ્વીકારવી પડે. લાયબ્રેરી સુધી પહોંચવા માટે 32 પગથિયા માત્ર પ્રવાસીઓ ઊતરે છે. એ પણ એવા જેને આ લાયબ્રેરી અંગે ખબર છે. 

    2 લાખ પુસ્તકો તો 1 હજાર વર્ષ જૂના છે અને સારી રીતે સચવાયેલા છે. લાયબ્રેરી શરૂ કરવા પાછળનો રાજાનો હેતું આસપાસના ગ્રામ્યજનોમાં શિક્ષણ લાવવાનો હતો, શિક્ષણ તો આવ્યું પણ મોબાઈલથી અને ડિજિટલથી વાંચનનો વ્યાપ ડિજિટલ સ્ક્રિન વ્યૂઅર્સ સામે ટૂંકો થતો ગયો છે. રાજસ્થાનની મનુ સ્ક્રિપ્ટની ઓરજિનલ બુક અહીંયા પડી છે. પરમિશન સાથે જોવા મળશે. સ્થાનિક સુનિલ ચૌહાણ કહે છે કે, આ લાયબ્રેરી નહીં પુસ્તકોનું મ્યુઝિયમ છે. પોખરણ બ્લાસ્ટ થયો એ સમયે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. કલામ સાહેબ અહીં આવેલા. એની યાદી અહીં છે. તે પણ અહીં બુક વાંચી ચૂક્યા છે. એમના અક્ષરમાં લખાયેલી નોટ પણ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે, ત્રણ મહિનામાં ગણીને પાંચ વ્યક્તિ અહીં મુલાકાતે આવ્યા છે. રીસર્ચ કરનારા એકવાર અહીં મુલાકાત લે તો એમના વિષયને લગતું કંઈક તો એમને મળે એવી એક સ્થાનિક તરીકે મારી ગેરેન્ટી છે. ચાલો આટલું તો સૌએ વાંચ્યું. થેંક્યું.

No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...